70 વર્ષે પહેલીવાર શ્રાવણિયા સોમવારનો અનોખો સંયોગ, સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ

August 05, 2024

અમદાવાદ : તપ,જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ અને 2 સપ્ટેમ્બર-સોમવારના પૂર્ણાહૂતિ થશે. 3 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે. 

આ વખતે શ્રાવણ માસમાં શિવજીને અત્યંત પ્રિય એવા પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર હોય તેવું ત્રણ વર્ષ બાદ પ્રથમવાર બનશે. આગામી એક માસ ભક્તો શિવની આરાધનામાં લીન બનશે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોની હેલી પણ સર્જાશે.

સોમવારથી શરૂ થતો શ્રાવણ પાંચમાં સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો તેવો અનોખો યોગ કહો કે સંયોગ સાત દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે. હાલ વિક્રમ સંવત 2080 ચાલી રહ્યું છે. આ પહેલા વિક્રમ સંવત 2010 અને વર્ષ 1953માં ઓગસ્ટ માસની 10મી તારીખે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો. 71 વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે.


શ્રાવણ માસ બારેય માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભકિત ધાર્યુ અને ઇચ્છિત ફળ સરળતાથી અપાવે છે. શ્રાવણ માસને લઈ અમદાવાદ શહેર સહિત રાજયભરના તમામ શિવાલયોમાં પણ ભોળાનાથના વિશેષ સાજ-શણગાર, પૂજન-અર્ચન, બિલ્વ અભિષેક, આરતી- પ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ માસને લઈ શિવભકતોમાં તપ, આરાધના અને ભકિતનો માહોલ છવાયો છે. 


નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, તુલસીદાસ જયંતિ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, વ્રતની પૂનમ, ચાતુર્માસ, હિંડોળા, બોળચોથ, જન્માષ્ટમી, પર્યુષણ મહાપર્વ, ફુલકાજળી વ્રત જેવા અસંખ્ય પવિત્ર તહેવારો 17 ઓગસ્ટ બાદ આવશે. અધિક શ્રાવણ માસના પ્રથમ દિવસે જ્યોર્તિલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ, નાગેશ્વર, ઉજ્જૈનના મહાકાલમાં પહોંચ્યા છે. 

અમદાવાદના શિવ મંદિરોમાં પણ આગામી બે માસ માટે પૂજન-અર્ચન માટે વિશિષ્ટ આયોજન કરાશે. અમદાવાદના પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ, રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, ઈન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામના પ્રાચિન શિવ મંદિર, સિગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે.