આતંકી હુમલાને લઇને એક્શનમાં સરકાર, રાજનાથ સિંહે બોલાવી બેઠક

August 14, 2024

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલા વધી રહ્યા છે. જેને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. ઘાટીમાં ભારતીય સેના પર થઇ રહેલા હુમલાને લઇને કેન્દ્ર સરકારે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, DGMO સહિત સુરક્ષા એજન્સીઓના વડા ઉપસ્થિત રહ્યા છે. દિલ્હી રક્ષા મંત્રાલય ખાતે બેઠક મળી છે. જેમાં સેનાના ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા છે

મહત્વનું છે કે 15મી ઑગષ્ટે સ્વતંત્રતા પર્વ છે જેના એક દિવસ અગાઉ જ ઘાટીમાં સુરક્ષાને લઇને બેઠક મળી રહી છે. આ બેઠકનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલા કેવી રીતે રોકવા અને તેનો સામનો કેવી રીતે કરવો તેને લઇને રણનીતિ બનાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવી જરૂરી છે. ચૂંટણી પંચની ટીમ આજે જ ગૃહ સચિવને મળવા જઈ રહી છે. ટીમ દ્વારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઇને જાણકારી આપશે.