સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત

July 27, 2025

વડોદરા : વડોદરાના સાવલી તાલુકામાં ડામરની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડામરનું ટેન્કર ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક, ક્લીનર અને મજૂર સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાના ભાદરવા-સાકરદા રોડ પર આવેલા મોક્સી ગામ પાસેની રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં જામ થયેલા ડામરને કાઢતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જામ થયેલા ડામરને નીકાળવા માટે ટેન્કરને ગરમ કર્યું હતું. જોકે, ટેન્કરને ગરમ કરતી વખતે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતાં ગેસના પ્રેશરથી ટેન્કર ફાટ્યું હતું. સમગ્ર ઘટનામાં વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ટેન્કર બ્લાસ્ટ થતાં અને આગની બનાવમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.