અમદાવાદમાં બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો આરોપ

September 28, 2025

અમદાવાદ : અમદાવાદમાં મારામારી, હત્યા, લૂંટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં યુવકને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટનાને લઈને બોડકદેવ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ભાઈ સુધીર ઠક્કરને ફોન કરીને પતિ ઝઘડો કરતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે શનિવારે (27 સપ્ટેમ્બર) સુધીર તેના પિતા ચિંદુભાઈ અને મોટા બનેવી સાથે યુવતીના ઘરે પહોચ્યો હતો. ત્યારે યુવતીના પતિ મૌલિક ઠક્કરે પોતાના પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યુ હતુ. આ દરમિયાન સુધીરે મૌલિક પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ કરતાં સુધીને પેટના ભાગે ગોળી વાગી હતી. 
પારિવારિક ઝઘડામાં ફાયરિંગ બનેવીએ સાળા પર ફાયરિંગ કર્યું. જેમાં સુધીરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.