આતંકી કાવતરાં સામે મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં NIAના દરોડા, 22 ઠેકાણે સર્ચ ઓપરેશન

September 08, 2025

જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે (આઠમી સપ્ટેમ્બર) વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સાથે દેશના પાંચ રાજ્યોના લગભગ 22 સ્થળો પર NIAએ દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે.

અહેવાલો અનુસાર, સોમવારે સવારે NIAની એક ટીમે બારામુલ્લા જિલ્લાના પટ્ટન શહેરના જંગમ ગામમાં પણ દરોડા પાડ્યા હતા. અહીં ટીમે સંબંધિત તપાસના ભાગ રૂપે ઉમર રશીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. હાલમાં સમગ્ર મામલે NIA તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. NIAની આ કાર્યવાહી એવા સમયે આવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. તે અહીં પૂર પછીની પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. જો કે, તેમની જમ્મુ મુલાકાતની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.