'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

September 08, 2025

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની આવક રૂપે ગણી દાવાની રકમ નિર્ધારિત કરવામાં આવશે. જેના માટે દાવેદાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે લઘુત્તમ વેતન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે.  સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો આમ નહીં થાય તો આ દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. આ ચુકાદાની નોટિફિકેશન તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને મોકલવામાં આવશે. જેથી આ નિર્દેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરી શકાય. અત્યારસુધી અકસ્માત કે દુર્ઘટનામાં બાળકના મૃત્યુ કે તેના સ્થાયી દિવ્યાંગ થવાની સ્થિતિમાં નુકસાનની ગણતરી નોશન ઈન્કમ (કાલ્પનિક આવક, વર્તમાનમાં રૂ. 30000 પ્રતિ વર્ષ) અનુસાર થતી હતી. હવે રાજ્યમાં કુશળ શ્રમિકોના લઘુત્તમ વેતનના આધારે નુકસાનીનું વળતર ગણવામાં આવશે. હાલ મધ્ય પ્રદેશમાં કુશળ કામદારોનું લઘુત્તમ વેતન માસિક ધોરણે રૂ. 14844 અર્થાત દિવસનું રૂ. 495 છે.  સુપ્રીમ કોર્ટે આ દરના આધારે મૃતક બાળક તથા દિવ્યાંગ બાળકને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સમાં મોકલવા નિર્દેશ કર્યો છે. ઈન્દોરમાં રહેતા આઠ વર્ષીય હિતેશ પટેલ 14 ઓક્ટોબર, 2012ના રોજ તેના પિતા સાથે રસ્તા પર ઉભો હતો, ત્યારે અચાનક એક વાહને ટક્કર મારી હતી. હિતેશને ગંભીર ઈજા થઈ હતી. જેના લીધે તેને કાયમી દિવ્યાંગતા આવી હતી. મોટર અકસ્માત ટ્રિબ્યુનલ સમક્ષ તેને રૂ. 10 લાખ વળતર ચૂકવવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ટ્રિબ્યુનલે તેને 30 ટકા દિવ્યાંગતા આવી હોવાનું કહી રૂ. 3.90 લાખ વળતર ચૂકવવા આદેશ વીમા કંપનીને આપ્યો હતો. આ  નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તેના વળતરની રકમ વધારી રૂ. 8.65 લાખ કરી હતી. જેથી બાદમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે હિતેશને રૂ. 35.90 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.