મહારાષ્ટ્રમાં ધીમા મતદાન વચ્ચે બિટકોઇન મામલે ઘમસાણ, ઝારખંડના વૉટર્સમાં અનેરો ઉત્સાહ

November 20, 2024

મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે 'ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.'  મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે 'મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.'
યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.  મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે 'તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.'
ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે, કે 'તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.' NCP SP નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે.  જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે.  શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે EVMમાં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.  અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.