મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ્ર બચાવવાની લડત: સંજય રાઉતના નિવેદન પર વિવાદ નક્કી

November 19, 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે (20 નવેમ્બરે) મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠક પર એકસાથે મતદાન થશે. જોકે, તે પહેલાં હવે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ચૂક્યો છે. વળી, મતદાનના એક દિવસ પહેલાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે. આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરતાં રાઉતે કહ્યું કે, આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે.  મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં મીડિયાકર્મી સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, કાલે યોજાઈ રહેલી મહારાષ્ટ્ર ચૂંટણીને ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપ કાર્યકર્તા પ્રભાવિત કરશે. ભાજપ નેતા પંકજા મુન્ડેના નિવેદનને ટાંકતા કહ્યું કે, હવે મહારાષ્ટ્રમાં અદાણી બાદ બાકીના ગુજરાતીઓનું પણ દબાણ વધશે. આ જ કરવાના ઈરાદાથી કાર્યકર્તાઓને અહીં મોકલવામાં આવ્યા છે.  શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આગળ કહ્યું કે, મુંબઈમાં દરેક બૂથ પર 90 હજાર ગુજરાત લોકો રહેશે, કારણકે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે. પહેલાં અદાણી આવ્યા, બાદમાં બાકીના ગુજરાતીઓ પણ દબાણ કરશે. હવે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓ દ્વારા કરવામાં આવતા દબાણથી બચાવવાની છે. સત્તા આવતી-જતી રહેશે. અમે લડીશું અને જીતીશું પણ, કોઈ ભલે કંઈપણ કહે.