બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહેનનો જ અવાજ, સુપ્રિયાએ પણ આપ્યો જવાબ

November 20, 2024

મહારાષ્ટ્રમાં બિટકોઈન કાંડ પર પવાર પરિવારના ભાઈ-બહેન વચ્ચે આકરા પ્રહારો થઈ રહ્યા છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપથી વિવાદ શરૂ થયો હતો કે, બિટકોઈનના પૈસાનો ઉપયોગ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન ફંડિંગ માટે કરવામાં આવ્યો છે. આ આરોપ સુપ્રિયા સુલે અને નાના પટોલે પર મૂકાયો છે. સુપ્રિયા સુલેએ આ આરોપોનો પાયાવિહોણા ગણાવી જણાવ્યું હતું કે, તમામ વોઈસ નોટ અને સ્ક્રિન શોટ નકલી છે. બીજી તરફ સુલેના ભાઈ અને એનસીપી વડા અજિત પવારે સુપ્રિયા સુલે પર આરોપ મૂકતાં મુશ્કેલીઓ વધી છે. સુપ્રિયા સુલે અને નાના પટોલે પર મૂકવામાં આવેલા આરોપો અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને બારામતી વિધાનસભા ક્ષેત્રના એનસીપી ઉમેદવાર અજિત પવારે જણાવ્યું કે, ‘તેમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેના વિશે હું એટલુ જ કહીશ કે, મેં આ બંને સાથે કામ કર્યું છે, અને તેમાંથી એક મારી બહેન પણ છે. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે. અને તેમનો વાત કરવાનો લહેકો પણ હુ જાણુ છું. તપાસ બાદ જ આ મુદ્દા વિશે સ્પષ્ટતા મળશે.’ સુપ્રિયા સુલે અને નાના પટોલે પર મૂકવામાં આવેલા આરોપો વિશે સુલેએ જણાવ્યું કે, કાલે મીડિયાએ મને આ તમામ વોઈસ રેકોર્ડિંગ મોકલ્યા હતા. સૌથી પહેલાં મને પુણેના કમિશનરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અમુક નકલી વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મેં તુરંત સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી કે, આ તમામ વોઈસ નોટ્સ અને મેસેજીસ ખોટા અને નકલી છે.  સુપ્રિયા સુલેએ આ મામલે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બદલ ત્રિવેદી વિરૂદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. અને નોટિસ પણ મોકલી આપી છે. સુધાંશુ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલા સવાલોનો જવાબ આપતાં તમામ આરોપોને નકાર્યા છે. અજિત પવાર પણ ગમે તે બોલી શકે છે, તેમ સુપ્રિયાએ જણાવ્યું હતું.