નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે

September 25, 2025

નવસારીના ટેટૂ આર્ટિસ્ટ અને ભાજપના પૂર્વ મિડિયા સેલ કન્વીનર જય અનિલભાઈ સોની (ઉ.વ. 33) એ પાંચ મહિના પહેલાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. આરોપી જય સોનીએ લગ્નની લાલચ આપી એક આદિવાસી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. ત્યારબાદ તેણે યુવતીને તરછોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

દોઢ વર્ષ પહેલાં આદિવાસી યુવતી તેની એક મિત્ર સાથે જય સોનીના 'ડ્રીમલેન્ડ' ટેટૂ સ્ટુડિયોમાં ટેટૂ કરાવવા ગઈ હતી. ત્યાં જય સોનીએ યુવતીનો મોબાઈલ નંબર મેળવી તેને 'આઈ લવ યુ' અને 'તને હગ કરવું છે' જેવા મેસેજ મોકલીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે યુવતીને કહ્યું કે તે તેની પત્નીને ડાયવોર્સ આપવાનો છે અને પછી તેની સાથે લગ્ન કરી લેશે. આ લાલચ આપીને તે યુવતીને અલગ-અલગ સ્થળે લઈ ગયો અને તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ સંબંધોના પરિણામે યુવતી ગર્ભવતી બની હતી. ત્યારે જય સોનીએ ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો ગર્ભપાત નહીં કરાવે તો તે લગ્ન નહીં કરે. આ બ્લેકમેલિંગથી ડરીને યુવતીએ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો.