ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા, હવે નવા સામે પણ વિરોધ

March 26, 2024

લોકસભાની ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ગયું છે, ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો પરના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે પાંચમી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમા બે ઉમેદવારો બદલ્યા છે તેમા સાબરકાંઠા બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીં પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે અહીંથી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. પરંતુ તેમની સામે પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે ભીખાજી ઠાકોરની અટકને લઈને પણ વિવાદ થયો હતો. ભાજપે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપતા જ હિંમતમગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, 'ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર્તા ન હોવા છતા ટિકિટ આપી છે. કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ અપાઈ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. અહીં મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે.' કૌશલ્યાકુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકિટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ કર્યા નથી.' ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ વિરોધ શરૂ થયો છે. ભાજપના કાર્યકરોના આક્રોશ પર શોભનાબેનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'કોઈને કઈ નારાજગી હશે, આ મામલે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે અને આ નારાજગી દુર કરીશું, હું મારા પતિ સહિત પાંચ હજાર લોકો સાથે ભાજપમાં જોડાઈ છું.'
અહેવાલો અનુસાર,સાબરકાંઠાનાં ભાજપનાં પૂર્વ ઉમેદવાર ભીખાજી કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે પોસ્ટને લઈને ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યં કે, 'હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી. કોંગ્રેસમાં જોડાવવાની વાત માત્ર અફવા છે.' ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો અંત આવ્યો હતો. ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર સાત તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલ, 2024એ થશે, જ્યારે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે ચોથી જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13મી મે,સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19મી એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13મી મે, 20મી મે, 25મી મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.