અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બની ધમકી, બાળકોને રજા અપાઈ, પોલીસ-ફાયર ઘટનાસ્થળે

December 17, 2025

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર, મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઇન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયનના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ મુજબ આ બોમ્બ મૂક્યાની ધમકી બાબતે કોઈએ પ્રેંક કર્યો હોવાનું અનુમાન છે. આ કૃત્ય ભારત બહારથી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે અમે આ બાબતે ગુનો દાખલ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, ત્યાં-ત્યાં પોલીસ અને બોમ્બસ્કોવડની ટીમો તપાસ કરી રહી છે. અત્યારે કોઈ જ પ્રકારની ચિંતા કરવા જેવું વાતાવરણ નથી. વાલીઓને પણ અમારા તરફથી અપીલ કરવામાં આવી છે કે ચિંતા કરશો નહીં બધું સેફ છે. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઇમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ(Overseas IP) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષય(Subject)માં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો.