ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ : મોદી સરકારે Meta અને X પાસે મદદ માંગી

October 25, 2024

દિલ્હી : નરેન્દ્ર મોદીએ હાલમાં જ માર્ક ઝકરબર્ગની કંપની Meta અને ઇલોન મસ્કની કંપની Xની મદદ માગી છે. આ મદદ તેમણે ભારતમાં હાલમાં ઘણી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાઓ ચાલી રહી છે અને એના કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે તેમજ મોડું પણ થઈ રહ્યું છે. આથી આ અફવાઓને જળમૂળમાંથી દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ આ કંપનીઓ પાસે મદદ માગી છે. આ કંપનીઓની સાથે મળીને ઘણાં સરકારી વિભાગો એક સાથે મળીને કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી શકાય.


ભારતીય ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે અત્યાર સુધીમાં 80થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર તેની અસર પડી છે. એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગોમાં સૌથી વધુ વાર બોમ્બ હોવાની અફવાઓ ચાલી છે. બોમ્બ હોવાની ખોટી ધમકીઓથી લોકોમાં ડર તો બેસે જ છે, પરંતુ નાણાકીય નુકસાન પણ થાય છે અને ફ્લાઇટના શેડ્યૂલમાં પણ મોડું થતું જોવા મળે છે. આથી આ સમસ્યાનો ઉકેલ લાવવો હવે ખૂબ જ જરૂરી છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ માટે વિવિધ વિભાગો એક સાથે મળીને કામ કરે જેથી જે પણ નિર્ણય લેવો હોય તે જલદી લઈ શકાય. તેમાં સિવિલ એવિએશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને કાયદાને લગતી દરેક એજન્સી કામ કરી રહી છે. આ ટીમનો મુખ્ય હેતુ દરેક ધમકીઓને તરત હેન્ડલ કરવાનો અને તે સાચું છે કે નહીં તે ચકાસી તમામ પગલાં ભરવા. તેમજ ખોટી હોય તો તે ક્યાંથી આવી અને તે કોણે કરી તે શોધી તેને સજા કરવાનું છે. બોમ્બની ધમકીઓને જળમૂળમાંથી દૂર કરવા માટે સરકાર દ્વારા Meta અને X પાસે મદદ માગવામાં આવી છે. આ ધમકીઓ ક્યાંથી આવી રહી છે અને કોણ શેર કરી રહ્યું છે અને કેટલા વાગ્યે શેર કરી છે વગેરે જેવી તમામ માહિતી સોશિયલ મીડિયા કંપની આપી શકે છે. જો આ માહિતી તરત મળી જાય તો તે વ્યક્તિ સુધી તરત પહોંચી શકાય છે અને તેનાથી તેનો ઉકેલ જલદી આવી શકે છે.