બોટાદ ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો

October 12, 2025

બોટાદ- ગુજરાતમાં કિસાન મહા પંચાયતના એલાનને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આજે 12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘હાલ બોટાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.’ 
આ ઘટના પહેલાં મહા પંચાયતમાં જોડાવા જઈ રહેલા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પણ બગોદરામાં અટકાયત કરાઈ હતી. નોંધનીય છે કે, બોટાદમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આ મહા પંચાયતનું આયોજન કરાયું હતું.


મળતી માહિતી મુજબ, બોટાદના હડદડમાં ચાલી રહેલી AAPની સભામાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.  સમગ્ર બનાવને લઈને SPએ કહ્યું કે, 'મંજૂરી વગર મહા પંચાયતનું આયોજન થયું હતું. લોકો ગેરકાયદે એકઠા થતા પોલીસ પહોંચી હતી. પોલીસ પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટિયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હડદડ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.'
AAP નેતા રાજુ કરપડાએ કહ્યું કે, 'આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હડદડ આવતા રોકવામાં આવ્યા અને ખેડૂતોને ઉશ્કેરવામાં પણ આવ્યા હતા. શાંતિથી ખેડૂતો ગામમાં બેઠા હતા, ત્યારે સિવિલ ડ્રેસ અને મોઢા પર રૂમાલ બાંધીને અમુક લોકો ટોળામાં આવે છે અને એજ સમયે પાછળથી પોલીસની વાન આવે છે. તેવામાં જે લોકો રૂમાલ બાંધીને આવ્યા હતા, તેઓ પથ્થરો લઈને પોલીસની વાન પર હુમલો કરે છે. ખેડૂતોનો અવાજ દબાવવા માટે આ એક આયોજનપૂર્વક ષડયંત્ર હતું.'