દિવાળીના દિવસે BSE-NSEમાં થશે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો સમય અને અન્ય વિગતો

October 28, 2023

 દિવાળીના દિવસે  BSE અને NSE પર એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવશે. આ ટ્રેડિંગ 12 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 7.15 વાગ્યે બજાર બંધ થશે, જેમાં પ્રી-માર્કેટ સેશન માટે 15 મિનિટ રાખવામાં આવ્યો છે.  

દર વર્ષે BSE અને NSE દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ શરૂ કરે છે, જે માત્ર એક કલાક માટે ખુલ્લું રહે છે. દિવાળી પર વેપાર કરવો શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર દિવાળીને નવા વર્ષની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે દિવાળી પર વેપાર કરવાથી સુખ સમૃદ્ધિ અને ખુશીઓમાં વધારો થાય છે. આ વર્ષે  દિવાળી રવિવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શેરબજાર બંધ રહે છે, પરંતુ આ વર્ષે દિવાળીના કારણે મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર એક કલાક માટે ખુલ્લી રહેશે. 

સ્ટોક એક્સચેન્જોએ માહિતી આપી છે કે, 12 નવેમ્બરે ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ફ્યુચર અને ઓપ્શન તેમજ સિક્યોરિટીઝ લેન્ડિંગમાં સાંજે એક કલાક માટે ટ્રેડિંગ થશે અને 14 નવેમ્બરે શેરબજાર દિવાળી નિમિતે બંધ રહેશે.