ગુજરાતમાં લોકસભાની સાથે છ વિધાનસભાની બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

March 15, 2024

વડોદરા : આવતીકાલે (16 માર્ચ 2024) લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાશે. જેને લઈને ચૂંટણી પંચ શનિવારે ગુજરાત વિધાનસભા પેટા-ચૂંટણીની તારીખોનું પણ એલાન કરશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટાચૂંટણી થશે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળા બની રહેશે.

કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા રાજીનામાં?

1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
5. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
6. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.