કેનેડા : ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો

December 05, 2023

નવી દિલ્હી : ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જુલાઈથી ઓક્ટોબર મહિનાની વચ્ચે ભારતમાંથી કેનેડા ભણવા માટે થતી અરજીઓની સંખ્યા 86562 હતી.જ્યારે ગત વર્ષે આ  જ સમયગાળામાં 1.45 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડા માટે
વિઝા એપ્લિકેશન કરી હતી.આમ એક વર્ષમાં સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતમાંથી જે વિદ્યાર્થીઓ કેનેડા ગયા છે તેઓ પણ સોશિયલ મીડિયા પર વિડિયો બનાવીને કેનેડામાં પડતી તકલીફો અંગે જણાવી રહ્યા છે.જેના કારણે પણ કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી હોવાનુ મનાઈ રહ્યુ છે.

દેશના એક અંગ્રેજી અખબારના કહેવા પ્રમાણે જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકીની હત્યાના લગાવેલા આરોપોને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે લેવાદેવા નથી.આ આરોપો લાગ્યા તે પહેલાથી જ
કેનેડા નહીં જવા માટેનો ટ્રેન્ડ ભારતમાં શરુ થઈ ગયો હતો.

કેનેડાના એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનુ શોષણ, ભારે મોંઘવારી તેમજ તકોની અછત જેવા પરિબળો ભારતીય વિદ્યાર્થીઓની ઓછી થઈ રહેલી સંખ્યા માટે જવાબદાર છે.હવે ટ્રુડો સરકાર
તેનો જવાબ આપવાની જગ્યાએ પોતાનો ચહેરો બચાવવાની કોશિશો કરી રહી છે.

કેનેડામાં 2023માં અભ્યાસ માટે ગયેલા વિદેશી છાત્રોમાં 50 ટકા ભારતીયો છે.કોરોના મહામારી પછી પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.