કેનેડાના વૈજ્ઞાનિકોએ સ્તન કેન્સર સાથે જોડાયેલાં ચાર નવા જનીન ઓળખી કાઢયા

August 22, 2023

કેનેડા અને બ્રિટનના વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે સ્તન કેન્સર સાથે જોડાયેલા ચાર જનીનોને ઓળખી કાઢયા છે, કે જેમને વધી ગયેલાં જોખમ ધરાવતી મહિલાઓની ઓળખ કરવા માટેના પરીક્ષણોમાં સામેલ કરવામાં આવી શકે છે. વિશ્વ સ્તર પર 23 લાખથી વધારે મહિલાઓ સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તે મહિલાઓના કેન્સરથી થનારા મોત માટેનું બીજું મુખ્ય કારણ છે.

સ્તન કેન્સર માટે વર્તમાન આનુવંશિક પરીક્ષણ ફક્ત કેટલાક જનીનો પર વિચાર કરે છે, જેમ કે બીઆરસીએ-1, બીઆરસીએ-2 અને પીએએલબી-2. જો કે આ ફક્ત આનુવંશિક જોખમના અલ્પાંશની વ્યાખ્યા કરે છે, અને સાથે સૂચવે છે કે હજુ પણ વધુ જનીનોની ઓળખ કરવાની બાકી છે. નેચર જેનેટિક્સ જર્નલમાં પ્રસિદ્ધ આ અભ્યાસમાં ઓછામાં ઓછા ચાર નવા સ્તન કેન્સરનું જોખમ ધરાવતાં જનીનોના પુરાવા મળ્યા છે, જેમાં ઘણા અન્ય માટેના સંકેતાત્મક પુરાવાનો પણ સમાવેશ થાય છે.