ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા:કહ્યું- અમારા દેશમાં આવવું સેઈફ છે

September 21, 2023

ઓટાવા  : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ મંગળવારે તેના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. બુધવારે ભારતે પણ એડવાઈઝરી જાહેર કરીને કેનેડામાં રહેતા ભારતના લોકો અને સ્ટુડન્ટને ચેતવ્યા હતા કે કેનેડામાં સતર્ક બનીને રહેજો, હેટક્રાઈમ વધી શકે છે.

બુધવારે મોડી રાત્રે કેનેડાએ ભારતની એડવાઈઝરીને નકારી કાઢી હતી. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબનેકે ઓટાવામાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમનો દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતે માત્ર સુરક્ષા અંગે સતર્ક રહેવા જણાવ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે - કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે.

તાજેતરના દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.

એડવાઈઝરી અનુસાર, કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય લોકો અને વિદ્યાર્થીઓ હાઈકમિશન અને કોન્સ્યુલેટની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.