રાજદ્વારીઓને ધમકીઓ અપાતા કેનેડાના લોકોના વિઝા બંધ : જયશંકર

October 01, 2023

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડાનાં નાગરિકોને ભારતે વિઝા આપવાનું બંધ કર્યું તે અંગે ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકરે ખુલાસો કર્યો હતો કે, કેનેડાનાં ખાલિસ્તાનીઓ દ્વારા અમારા રાજદ્વારીઓ તેમજ કોન્સ્યૂલેટ ઓફિસો પર હુમલા કરાયા હતા અને ધમકીઓ આપવામાં આવી હતી જેને કારણે અમારે કેનેડાનાં નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવા ફરજ પડી હતી.

આવા સંજોગોમાં કેનેડામાં ભારતનાં અધિકારીઓ માટે ઓફિસમાં જઈને કામ કરવાનું અને વિઝા પ્રોસેસ કરવું મુશ્કેલ બન્યું છે. તેમને સતત હિંસાની ધમકીઓ મળી રહી છે. અમારી મજબૂરી હતી જેથી અમારે વિઝા કામગીરી બંધ કરવી પડી. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે વિયેના સમજૂતીનો કેનેડા દ્વારા ભંગ કરાઈ રહ્યો છે.

નિજ્જર મામલે મતભેદો કેવી રીતે દૂર કરવા તે અંગે ભારત અને કેનેડા સરકાર વિચારશે. જયશંકરે કેનેડાને સાફ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારત વિરુદ્ધ હિંસા ભડકાવવી તે આઝાદીની અભિવ્યક્તિ કહી શકાય નહીં.