પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન

August 21, 2025

પારડી : પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતાં માતા અને પુત્રીનું મોત થયુ છે. આ કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતાં. જેમાં સદનસીબે પતિનો આબાદ બચાવ થયો હતો.

કોઝ વે પરથી જઈ રહેલી કાર અચાનક પાણીમાં તણાઈ જતાં પતિ-પત્ની અને બાળકી તણાયા હતાં. જેમાં આસપાસના લોકોએ પતિને બચાવી લીધો હતો. પરંતુ કાર સાથે માતા-પુત્રી તણાઈ ગયા હતાં. તેમની શોધખોળ શરૂ થઈ હતી. આજે ગુરૂવારે એનડીઆરએફ ટીમને શોધખોળ દરમિયાન કાર મળી આવી હતી. જેમાંથી માતા પુત્રીની લાશ મળી આવતાં પંથકમાં શોકનો માહોલ પ્રસર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના નારગોલ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ ગોવનભાઇ પટેલ પારડી ખાતે રોયલપાર્કમાં પરિવાર સાથે રહે છે. મહેશ પટેલ પારડીના અંબાચ ગામે શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા પત્ની તનાશા અને પુત્રી યશવી સાથે ગઇકાલે બુધવારે આઇ10 કારમાં કામ અર્થે ડુમલાવ ગયા હતા. પટેલ પરિવાર ડુમલાવથી પરત પારડી કારમાં આવી રહ્યો હતો. તે દરમિયાન પારડીના તરમાલિયા ગામે ભેસુ ખાડીના નીચાણવાળા કોઝ વે પરથી લગભગ 4 ફુટ ઊંચાઇએ પાણીનો ધસમસતો પ્રવાહ આવતાં કાર પાણીના વહેણમાં તણાઈ હતી. ઘટનાને પગલે ગામલોકો અને તરવૈયા દોડી ગયા હતા. પારડીના મામલતદાર રાણા અને ટીમ પણ દોડી ગઇ હતી. ચાલક મહેશ પટેલને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતાં. પરંતુ પત્ની-પુત્રી ગુમ કાર સાથે ગુમ થયા હતાં.