દ.ચીન સમુદ્રમાં સંઘર્ષ નિવારવા ચીને ફીલીપાઇન્સ સાથે સમજૂતી સાધી

July 23, 2024

મનીલા, નવી દિલ્હી : હવે તે લગભગ નિશ્ચિત બની રહ્યું છે કે, નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં લોખંડી મનોબળ ધરાવતા રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી થશે. દુનિયાના દરેક દેશોએ ટ્રમ્પના શાસન નીચેના અમેરિકા સાથે સંબંધો કેવા રાખવા તે વિષે ગણતરીઓ બાંધવી શરૂ કરી દીધી છે. તેવામાં પૂર્વ ગોમાર્ધ ઉપર એકચક્રી શાસન સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા ચીનને ભારતે, લડાખ, દોકલામ અને અરૂણાચલ પ્રદેશમાં બરાબરનો પાઠ ભણાવી દીધા પછી ચીને પેસિફિક તરફ નજર માંડી હતી. દક્ષિણ ચીન સમુદ્ર પણ પેસિફિકનો જ ફાંટો છે. આ સમુદ્ર અમારા બાપનો છે તેમ કહેતા ચીને તે સમુદ્રમાં આવેલા દેશોને દબડાવવાનું શરૂ કરી દીધુ હતું. ફીલીપાઇન્સ દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલું છે. તેના તટ પ્રદેશમાં રહેલ શોલ્સ (ખંડીય છાજલીઓ ઉપર સહજ રીતે જ ફીલીપાઇન્સનું પ્રભુત્વ હોય. પરંતુ મહાબલી ડ્રેગને ફૂંફાડા મારવા શરૂ કરી દીધા હતા અને તે શોલ્સ અમારા છે. તેમાએ ફીલીપાઇન્સની નજીકની સેકન્ડ થોમસ શોલ ઉપર ચીને પોતાનો દાવો કર્યો હતો. આથી વારંવાર બંને દેશો વચ્ચે ટકરાવ થતો હતો. ચીનના કોસ્ટગાર્ડઝની યુદ્ધ નૌકાઓ ફીલીપાઇન્સની યુદ્ધ નૌકાઓ ઉપરાંત વ્યાપારી જહાજો ઉપર પણ જોરદાર પાણીનો ધોધ છોડતી રહી હતી. આ સંઘર્ષ ટાળવા બંને દેશો વચ્ચે વારંવાર બેઠકો યોજાતી હતી. જેમાં ચીનના રાજદ્વારીઓએ પરસ્પરના પ્રાદેશિક વિસ્તારોને માન આપવા સહમતિ સાધી છે. તેમ ફીલીપાઇન્સના એક અધિકારીએ અનામી રહેવાની શરતે જણાવ્યું હતું. આ અંગે સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે તેમ પણ કહ્યું હતું. નિરીક્ષકો કહે છે કે ફીલીપાઇન્સ સાથે અમેરિકા સંરક્ષણ કરારોથી જોડાયેલું છે. હવે જો ચીન ચાપો કરવા જાય તો ભવિષ્યનું ડોનાલ્ડ ટ્રમ્પ તંત્ર તેના સાથી દેશની સહાયે જાય. બીજી તરફ ચીન પેસિફિકમાં પેસે તે અમેરિકાને પોસાય તેમ જ નથી. તે ગણતરીએ ચીને ફીલીપાઇન્સને ડરાવવાનું બંધ કરી તેની સાથે સમજૂતી-સાધવા, સમજણપૂર્વકનો નિર્ણય લીધો હશે. અમેરિકા સામે ટક્કર નિવારવા માગતુ હશે.