પાકિસ્તાનમાં પોતાના માણસોનાં થતાં મોતથી ચીન ભડક્યું : કહ્યું દોષિતોને પકડી સજા કરો

October 08, 2024

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં કરાંચી એરપોર્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૨ ચીની નાગરિકો સહિત કુલ ૩નાં મૃત્યુ થયા હતાં. આ પછી ચીની દૂતાવાસ એકદમ સક્રિય બની ગયું છે. ચીને કહ્યું છે તે હુમલા કરનાર આતંકીઓને પકડી તેમને કઠોરમાંથી કઠોર સજા થવી જ જોઈએ. પાકિસ્તાનની સમાચાર એજન્સીઓને પછીથી જાણવા મળ્યું છે કે, તે વિસ્ફોટની જવાબદારી બલુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.) લીધી છે. આવી ઘટનાઓ વારંવાર બને છે. ચીનનું દૂતાવાસ તેથી ગુસ્સે ભરાયું છે. તેણે તે કાવતરાખોરોને પકડી તેમને કડકમાંથી કડક સજા કરવા શરીફ સરકારને અનુરોધ કર્યો છે. સાથે કહ્યું છે કે પાકિસ્તાનમાં કામ કરતા તમામ ચીની નાગરિકો સંસ્થાઓ અને પરિયોજનાઓની સલામતી માટે દરેક પ્રકારે પગલાં લેવાં જરૂરી છે. ચીનના દૂતાવાસનાં જણાવ્યા પ્રમાણે એ ઘટના રવિવારે રાત્રે બની હતી. તે દરમિયાન એક કાફલો પોર્ટ કારીમ ઇલેકટ્રિક પાવર કંપનીના ચાઈનીઝ સ્ટાફને લઈને જઈ રહ્યો હતો, ત્યારે કરાંચીમાં કાયદે-આઝમ-મહમ્મદઅલિ ઝિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે તે કાફલા ઉપર હુમલો થયો હતો. તેમાં બે ચીની ઇજનેરો માર્યા ગયા હતા. કેટલાંક પાકિસ્તાની નાગરિકો પણ હતા. જેવો ઘાયલ થયા હતા. આ ઘટનાનો ફોટો વિડીયો ઉપર વાયરલ થઈ રહ્યો છે.