ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર

December 03, 2024

બાંગ્લાદેશમાં ઇસ્કોનના પ્રમુખ ચહેરો ગણાતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને કોર્ટમાંથી રાહત મળી નથી. તેઓએ હાલ જેલમાં જ રહેવું પડશે. મહત્વનું છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની જામીન અરજી પર સુનાવણી માટે મંગળવારે કોઈ વકીલ ચટગાંવ કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા. જેથી સરકારી વકીલે જામીનની સુનાવણી માટે વધુ સમય માંગ્યો હતો, જે બાદ કોર્ટે આગામી જામીનની સુનાવણી 2 જાન્યુઆરી નક્કી કરી હતી. આ નિર્ણયને પગલે ચિન્મય કૃષ્ણ દાસ લગભગ એક મહિના સુધી જેલમાં રહેશે.

મહત્વનું છે કે ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે સોમવારે દાવો કર્યો હતો કે ચિન્મય દાસનો કેસ લડનારા વકીલ રમણ રોય પર ખરાબ હુમલો થયો હતો અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.