ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી

January 06, 2025

ગુજરાતમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય. જો કે ત્યાર પછી રાજ્યભરના તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધશે.  

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. જેમાં આગામી અઠવાડિયા સુધી કોલ્ડવેવનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે.  ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં તેની અસર વર્તાઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.