SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ

July 06, 2025

મંજૂરી વિના શેર-કરન્સી માર્કેટમાં રોકાણ 

સુરત : આરબીઆઈ અને સેબીમાંથી મંજુરી મેળવ્યા વગર ચાર કંપનીઓ શરૂ કરીને 7થી 11 ટકા રિટર્નની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયુ છે.  જેમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈની ઓફિસમાં મોકલાતા હતાં. સુરત સાઈબર ક્રાઈમ પોલીસે કંપનીના કર્તાહર્તાઓની સુરતના ઉત્રાણ અને રાજકોટમાં મુખ્ય ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.  જેમાં ઓનલાઈન અને આંગડિયા થકી 335 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. સુરત સાયબર ક્રાઈમ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, બાતમીના આધારે ઉત્રાણના વીઆઇપી સર્કલ સ્થિત પ્રગતિ આઈટી પાર્કની બી બિલ્ડીંગમાં ઓફિસ નં. 914માં આઈવી ટ્રેડ નામની ઓફિસમાં દરોડા પાડયા હતા. જ્યાં વર્ષ-2022માં શરૂ કરવામાં આવેલી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને આઈ.વી ટ્રેડ કંપનીનું કામકાજ ચાલતું હતું.


આ કંપનીઓ આરબીઆઈ અને સેબીની મંજૂરી વિના ઉંચા રિટર્નની લાલચ આપી શેર અને કરન્સી માર્કેટમાં રોકાણ કરાવતી હતી. આ માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરતી હતી. ફોન કોલ કરીને 7થી 11 ટકાના ઉંચા રિટર્નની લાલચ આપતી હતી. ઉત્રાણની ઓફિસમાં સર્ચ દરમિયાન કંપનીના માલિક દિપેન ધાનક અને તેના પિતા નવીનચંદ્ર ધાનક હોવાનું તેમજ મુખ્ય ઓફિસ  રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ સ્થિત શીતલપાર્ક ચોકમાં સ્પાયર-2માં હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમે રાજકોટની ઓફિસમાં પણ દરોડા પાડયા હતા. ત્યાંથી દિપેશન ધાનકના ભાઈ ડેનીશ ઉર્ફે હેમલ ધાનકની ધરપકડ કરી પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, ઉક્ત કંપની તેના પિતા નવીનચંદ્ર ધાનકના નામે છે. અને તેમની ઓફિસ દુબઈ હોવાથી પિતા અને ભાઈ હાલમાં દુબઇ છે.