યુકેમાં ભારતીયો માટે વિઝા નિયમો કડક કરવા કન્ઝર્વેટિવ પાર્ટીની માંગ

October 01, 2024

યુકે અને બ્રિટનમાં ભારતીયોને આપવામાં આવતા વિઝાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા તેમજ હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષનાં નેતા તરીકે ઋષિ સુનકની જગ્યા લેવા માટે યોજાનાર ચૂંટણીમાં સ્પર્ધક તરીકે લડી રહેલા બે ઉમેદવારોએ બ્રિટનમાં ઇમિગ્રેશનની સંખ્યા ઘટાડવા માગણી કરી છે

જેમાં યુકેમાં ભારતીયો માટે વિઝા નિયમો કડક કરવાનો પણ સમાવેશ થાય છે. બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું સંમેલન શરૂ થયું છે જેમાં પૂર્વ ઇમિગ્રેશન પ્રધાન રોબર્ટ જેનરિક દ્વારા ભારત સહિત કેટલાક દેશોનાં ઇમિગ્રન્ટસ માટે તમામ કેટેગરીમાં સખત વિઝા પ્રતિબંધો લગાવવા માગણી કરી છે.

તેમણે કહ્યું છે કે બ્રિટનમાં ગેરકાયદે પ્રવેશ કરનારા નાગરિકોને આ દેશો પાછા ન બોલાવે ત્યાં સુધી વિઝા પર કડક નિયંત્રણો લાદવાની જરૂર છે. રોબર્ટ જેનરિકે કહ્યું હતું કે ગયા વર્ષે ભારતનાં અઢી લાખ લોકોને વિઝા આપવામાં આવ્યા હતા. બ્રિટનમાં હાલ 1 લાખ ભારતીયો ગેરકાયદે વસવાટ કરે છે. જ્યાં સુધી આ ગેરકાયદે વસાહતીઓ તેમનાં દેશમાં પાછા ન જાય ત્યાં સુધી ભારત સામે તમામ કેટેગરીમાં સખત વિઝા પ્રતિબંધો લાદવા જોઈએ.