દાના વાવાઝોડું: ઓડિશા, બંગાળનાં કાંઠે ટકરાઈને વાવાઝોડું નબળું પડયું

October 26, 2024

બંગાળનાં અખાતમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું દાના ગુરુવારે રાત્રે 12 કલાકે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળનાં દરિયાકાંઠે ટકરાયું હતું. શુક્રવારે સવારે 9 કલાકની આસપાસ વાવાઝોડું ત્રાટકવાની પ્રોસેસ પૂરી થઈ હતી.

વાવાઝોડું ટકરાયું ત્યારે પવનની ગતિ કલાકનાં 120 કિ.મી હતી જે 8.30 કલાક પછી ઘટીને કલાકનાં 10 કિ.મી થઈ ગઈ હતી. વાવાઝોડું દાના નબળું પડયા પછી તોફાની પવનને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદનું જોર રહ્યું હતું. દાનાની 7 રાજ્યોને અસર થઈ હતી. શુક્રવારે ફ્લાઇટ્સ અને ટ્રેનસેવાઓ તબક્કાવાર આંશિક રીતે શરૂ થઈ હતી. પવન અને આંધીને કારણે અનેક સ્થળે વૃક્ષો પડી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઠેકઠેકાણે કાચા મકાનો તૂટી ગયા હતા. માલમિલકતને ભારે નુકસાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ઓડિશાનાં ભદ્રક અને કેન્દ્રપાડામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ચક્રવાતને કારણે ઓડિશા અને બંગાળમાંથી 12 લાખ લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમને રિલીફ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની અસરને કારણે ઓડિશા અને બંગાળનાં અનેક વિસ્તારોમાં હજી ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે.