ચારેબાજુ વિનાશ, પૂર-ભૂસ્ખલનથી અત્યાર સુધી 179 લોકોનાં મોત, માર્ગો બંધ

September 30, 2024

પાડોશી દેશ નેપાળમાં કુદરતી રૂઠી હોય તેવું સામે આવ્યું છે. નેપાળમાં ભારે વરસાદને લીધે પૂર અને ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા વધીને 179 થઈ છે, જ્યારે 42 લોકો હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે પૂર્વ-મધ્ય નેપાળનો મોટો હિસ્સો જળમગ્ન થયો છે અને દેશના ઘણા હિસ્સામાં એકાએક પૂર આવ્યું છે. જેથી નેપાળમાં પૂર બાદ સ્થિતિ કથળી ગઈ છે.

નેપાળના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર અંગેની ઘટનાઓમાં 111 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નેપાળી સેનાએ દેશભરમાં ફસાયેલા 162 લોકોને એરલિફ્ટ કર્યા છે.

નેપાળના ગૃહમંત્રાલયના એક અધિકારી જણાવ્યું હતું કે નેપાળી આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા પૂર અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત આશરે ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવી લેવામાં આવેલા લોકોને અનાજ સહિત તમામ જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

પોખરેલે જણાવ્યું હતું કે પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારને કારણે અવરોધાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે.