'તમારે અહંકાર ઓગાળવો છે કે પછી...', રૂપાલા વિવાદ વચ્ચે ધાનાણીએ 'કવિતા' દ્વારા ભાજપને ઘેર્યો

April 15, 2024

રાજકોટ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી નાજર ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવા માગ કરી રહ્યા છે. તો બીજી તરફ અહીંથી કોંગ્રેસે પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. જે પોતાની કવિતાઓ દ્વારા ભાજપ અને રૂપાલા પર કટાક્ષ કરી રહ્યા છે. ત્યારે ફરી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કવિતા લખી કે,'હે ભાજપના ભિષ્મપિતામહ, હવે તમારે અહંકાર ઓગાળવો છે કે, પછી મને દિલ્હી જ દેખાડવું છે?' કોંગ્રેસના ઉમેદાવાર પરેશ ધાનાણીએ ગાઈકાલે રાજકોટના રતનપરમાં યોજાયેલા ક્ષત્રિયોના મહાસંમેલનનો વીડિયો 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હે ભાજપના ભીષ્મપિતામહ હવે તમારો અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી દેખાડવું છે, 16 તારીખ સુધીમાં અહંકાર નહીં ઓગળે તો બપોરના ચાર વાગે કુળદેવીના દ્વારે શીશ ઝૂકાવીને સ્વાભિમાનના યુદ્ધનો શંખનાદ કરીશું.' રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનો સભાને સંબોધી હતી. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકીટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિવાદના વંટોળ વચ્ચે આગામી 16મી એપ્રિલે પરશોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભા સંબોધશે.