કૅપ્ટન બનતાં જ ભડક્યો ધોની, KKR સામે શરમજનક હાર બાદ જુઓ કોને જવાબદાર ગણાવ્યા

April 12, 2025

શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું જ્યારે એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે સતત ત્રણ મેચ હારી ગઈ હોય. આ સિઝનમાં પાંચ વખતની IPL ચેમ્પિયન CSKની આ સતત પાંચમી હાર હતી. આ મેચમાં ચેન્નઈની ટીમે પ્રથમ બેટિંગ કરીને નવ વિકેટ પર માત્ર 103 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલકાતાએ આ ટાર્ગેટ માત્ર 10.1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન ટીમને IPLના ઇતિહાસમાં બાકી રહેલા બોલના મામલે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન એમએસ ધોની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની કારમી હારથી નિરાશ દેખાતા હતા. તેણે આ હાર માટે પોતાના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. આ દરમિયાન ધોનીએ એમ પણ કહ્યું કે, 'નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આગામી IPL મેચોમાં વધુ સારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.' ધોનીએ મેચ પછી કહ્યું કે, 'કેટલીક રાતો એવી રહી છે જ્યારે અમે સારું પ્રદર્શન ન કરી શક્યા, પડકાર હંમેશા રહે છે, અમારે પડકાર સ્વીકારવો પડશે. આજે મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન નથી. અહીં ચેપોકમાં પણ એવું જ થયું, જ્યારે અમે બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોલ થોડા અટકીને આવ્યા, આજે પ્રથમ ઇનિંગમાં પણ એવું જ થયું. જ્યારે તમે ઘણી બધી વિકેટ ગુમાવી દો છો, ત્યારે દબાણ હોય છે.'