ધરોઈ ડેમને કારણે સાબરમતીમાં પાણીની ધૂમ આવક, સંત સરોવરના 21 દરવાજા ખોલાયા

August 25, 2025

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીની આવકથી મોટા ભાગના ડેમ છલોછલ થયા છે. ગાંધીનગરના સંત સરોવર ડેમમાં નવા નીરની આવક થતાં તમામ 21 દરવાજા ખોલવા પડ્યા છે. સંત સરોવર ડેમમાં 66,215 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજામાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.

મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યા હતા. આથી, સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી હતી. પાણીની આવક વધતા સંત સરોવરમાંથી હાલ 63,224 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરિજ સહિત 28 જેટલા ગામોમાં ઍલર્ટ કર્યા છે. જ્યારે સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઇન્ટ મુકાયા છે અને તંત્ર દ્વારા પણ નદી કિનારાનાં ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડીને કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી છે.