બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોકોને કચડ્યા, જીતની ઉજવણી કરી રહ્યા હતા હજારો ફૂટબોલ ફેન્સ

May 27, 2025

બ્રિટનના લિવરપૂલ શહેરમાં સોમવારે એક શખસે પોતાની કાર જશ્ન મનાવી રહેલા ફૂટબોલ ફેન્સ પર ચડાવી દીધી હતી. પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીત બાદ વિક્ટરી પરેડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ભીડની અંદર કાર ઘૂસી આવતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું છે કે ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  આ મામલે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે, કે 'લિવરપૂલના દ્રશ્યો ભયાવહ છે. ઘટનાથી પ્રભાવિત તથા ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. ત્વરિત પ્રતિક્રિયા માટે પોલીસનો આભાર.' નોંધનીય છે કે છેલ્લે વર્ષ 2020માં લિવરપૂલની ટીમે ટ્રોફી જીતી હતી. જોકે તે સમયે કોરોના મહામારી ફેલાઈ હોવાથી લોકો જશ્નમાં સામેલ થઈ શક્યા નહોતા. એવામાં આ વર્ષે ફરી જીત મળ્યા બાદ ચાહકોનો જુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લિવરપૂલના ખેલાડીઓ ટ્રોફીની સાથે બસની ઉપર હતા અને રસ્તા પર હજારોની સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા.