જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, સ્થાનિકોમાં ફફડાટ

December 28, 2024

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર વિભાગના બારામુલ્લામાં રાત્રે 9.06 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી. બીજી તરફ ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુલગામમાં રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા છે. નેશનલ હાઈવે-44 પર બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કાશ્મીરની સાથે જમ્મુ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે. ડોડામાં હિમવર્ષા દરમિયાન ચારેબાજુ બરફના થર જોવા મળ્યા હતા.

કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. શુક્રવારે ખીણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી, જેના કારણે ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. IMDનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ચિનાબ ખીણમાં તેમજ પીર પંજાલ પર્વતમાળાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.