અફઘાનિસ્તાનમાં એક પછી એક ત્રણ ભયાનક ભૂકંપ, 622ના મોત, 1000થી વધુ ઈજાગ્રસ્ત

September 01, 2025

 રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોના મોત જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે. 

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 622થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોનો આંકડો 1000ને વટાવી ગયો છે. નાંગરહાર સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા અજમલ દવાઈશે જણાવ્યું કે જલાલાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક ત્રણ ભૂકંપ આવ્યા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા 6.3, બીજાની 4.5 અને ત્રીજાની 5.2 તીવ્રતા રહી હતી જેના લીધે મોટી જાનહાનિ સર્જાઇ હતી.