દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે

September 01, 2025

વિશ્વના સૌથી શાંત અને સુરક્ષિત દેશોની યાદી રજૂ કરતો ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન ટોપ-100માં પણ નથી.  જો કે, ભારતના રેન્કિંગમાં નજીવો સુધારો જોવા મળ્યો છે.  ઈન્સ્ટીટ્યૂટ ફૉર ઈકોનોમિક્સ એન્ડ પીસએ વર્ષ 2025નો ગ્લોબલ પીસ ઈન્ડેક્સ રજૂ કર્યો હતો. જેમાં ભારત 115માં ક્રમે છે. આ રિપોર્ટમાં 163 દેશો સામેલ કરવામાં આવ્યા છે. જે વિશ્વની કુલ વસ્તીના લગભગ 99.7 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઈન્ડેક્સમાં સૌથી શાંત અને સુરક્ષિત દેશ તરીકે છેલ્લા 18 વર્ષથી આઈસલેન્ડ પ્રથમ ક્રમે છે. તેણે 2008થી આ ક્રમ જાળવી રાખ્યો છે. જે તેની સ્થિરતા અને સામાજિક વ્યવસ્થાને મજબૂતાઈ દર્શાવે છે. આઈસલેન્ડમાં ક્રાઈમ રેટ સૌથી ઓછો, તેમજ પોતાના વિશ્વાસની મજબૂત પરંપરા, અને સેનાની ગેરહાજરી તેને વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ તરીકે રજૂ કરે છે. બીજા ક્રમે આર્યલેન્ડ તો ત્રીજા ક્રમે ન્યૂઝીલેન્ડ સમાવિષ્ટ છે. આ યાદીમાં ફિનલેન્ડ ચોથા અને ઓસ્ટ્રિયા પાંચમા ક્રમે છે. છઠ્ઠા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ, સાતમા ક્રમે સિંગાપોર, આઠમા ક્રમે પોર્ટુગલ, નવમા ક્રમે ડેનમાર્ક, અને દસમા ક્રમે સ્લોવેનિયા સામેલ છે.
આ ઈન્ડેક્સ તૈયાર કરવા માટે 163 સ્વતંત્ર દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જીપીઆઈ ઈન્ડેક્સમાં ભારત 163માંથી 115માં ક્રમે છે. તેનો જીપીઆઈ સ્કોર 2.229 નોંધાયો છે. જે ગતવર્ષની તુલનાએ શાંતિના સ્તરમાં 0.58 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સુધારો ભારતની સ્થિતિ સુધરી રહી હોવાનો સંકેત આપે છે. ભારતના પડોશી દેશમાં શ્રીલંકા અને ચીન બાદ ભારત ત્રીજો સૌથી સુરક્ષિત અને શાંત દેશ છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 રિપોર્ટમાં સબ-સહારન આફ્રિકા અને મધ્ય પૂર્વને વિશ્વના સૌથી અસ્થિર અને અસુરક્ષિત પ્રદેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં સૌથી નીચે રશિયા, યુક્રેન, સુદાન, કોંગો અને યમન જેવા દેશો છે, જ્યાં સંઘર્ષ અને હિંસા સતત વધી રહી છે. દક્ષિણ આફ્રિકામાં પણ શાંતિની સ્થિતિમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. નાગરિક અશાંતિ અને દમનકારી નીતિઓને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ કથળી છે. રિપોર્ટ દર્શાવે છે કે આ દેશોમાં રાજકીય અસ્થિરતા અને સામાજિક સંઘર્ષો શાંતિ જાળવવામાં સૌથી મોટો પડકાર છે.