સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી... PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો

September 01, 2025

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પડોશી દેશનું નામ લીધા વિના ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવી તેની વિરુદ્ધ લડવા સાથ આપવા આહ્વાન કર્યું હતું.મિત્ર દેશ ચીન સમક્ષ આતંકવાદ વિશે ખુલ્લેઆમ વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ વિશ્વ માટે એક વિશાળ જોખમ છે. આતંકવાદ માનવતા માટે એક પડકારરૂપ છે. ભારત લાંબા સમયથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. કેટલા બાળકો અનાથ થયા છે. હાલમાં જ પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જે મિત્ર દેશ આ હુમલા દરમિયાન અમારી સાથે હતા, તેમનો આભાર માનું છું. પ્રશ્ન ઉઠાવવો સ્વાભાવિક છે. આતંકવાદ પર કોઈ બેવડું વલણ સ્વીકાર્ય નથી. અમે આતંકવાદના દરેક રંગનો વિરોધ કરીએ છીએ.SCO સમિટમાં વડાપ્રધાન મોદીએ તેની વ્યાખ્યા આપી છે. જેમાં Sનો અર્થ સિક્યોરિટી, Cનો અર્થ કનેક્ટિવિટી, અને Oનો અર્થ ઓપોર્ચ્યુનિટી આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારતે SCO મેમ્બરમાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતની વિચારણા, દૃષ્ટિકોણ અન નીતિ 3 મહત્ત્વપૂર્ણ સ્તંભો સુરક્ષા, કનેક્ટિવિટી અને અવસર પર આધારિત છે.ભારતે SCO સંમેલન પહેલાં જ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો સંયુક્ત નિવેદનમાં પહલગામનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો ભારત તેના પર હસ્તાક્ષર નહીં કરે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાન પણ SCOનો સ્થાયી સભ્ય છે. એવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં પીએમ મોદી જે રીતે આતંકવાદ પર આક્રમક રીતે વાત કરી રહ્યા છે, તે આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વને એક મોટો સંદેશ આપી રહ્યું છે.