ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્

September 01, 2025

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે પુલ અને મકાનો તૂટી ગયા છે અને ખેતીનો પાક નષ્ટ થઈ ગયો છે. કાશ્મીરના ગુરેઝ અને રિયાસીમાં પણ જમીન ધસી રહી છે. હિમાચલમાં આ કુદરતી આફતથી હાહાકાર મચી ગયો છે. પર્વતો હોય કે મેદાનો, કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. ક્યાંક વાદળ ફાટવાને કારણે રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ ગયો છે, તો ક્યાંક વરસાદે શહેરોને જળબંબાકાર કરી દીધા છે. હિમાચલ પ્રદેશમાં પૂર, ભૂસ્ખલન, અને પહાડો ધસી પડવાની ઘટનાઓથી ભારે તબાહી મચી છે.
ચંબાના ભરમૌરમાં મણિ મહેશ પાસે નાળાને લોકો દોરડાથી પાર કરતા હોવાના ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. આ કારણે મણિ મહેશ યાત્રાને રોકી દેવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે. વહીવટી તંત્ર તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સિવાય, ચંબાના તિસા રોડ પર અચાનક ભૂસ્ખલન થતાં મોટા પથ્થરો રસ્તા પર પડ્યા, જોકે સદનસીબે કોઈ વાહન ત્યાં ન હોવાથી જાનહાની ટળી. સતત વરસાદ અને ભૂસ્ખલનથી પહાડી વિસ્તારોમાં લોકોમાં ડરનો માહોલ છે. શિમલાના ગ્રામીણ વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે બસંતપુર–ગુમ્મા–નૌટીખડ રોડ પર એક મોટો ભાગ પડી જતાં રસ્તો બંધ થઈ ગયો, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. વહીવટી તંત્ર કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે.
કુલ્લુમાં પણ ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા અને રાહતકાર્યોમાં અવરોધ ઊભો થયો. અહીં નદીઓનું જળસ્તર વધતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ તેની અસર જોવા મળી છે. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર ચાલુ છે. ચમોલીમાં નીતિ ઘાટીના મુખ્ય પુલ તૂટવાથી ડઝનબંધ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. નીતિ–મલારી હાઈવે પરનો તમક નાળાનો પુલ પણ ભારે વરસાદથી તૂટી ગયો છે.
ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર છે, જેના કારણે પુલ અને નદી કિનારાની હોટલો ખતરામાં છે. વિકાસનગર અને સરહદીય ગામોમાં મકાનો ધસી પડ્યા છે અને શાળાઓ બંધ છે. બચાવ ટીમો સતત કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં રામબન, ઉધમપુર અને જમ્મુમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા છે. રામબનમાં ભૂસ્ખલન બાદ હાઈવે તૂટી ગયો અને અવરજવર અટકી ગઈ. કટરામાં પણ પૂરને કારણે ઘણા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું.
પંજાબના 9 જિલ્લામાં એક હજારથી વધુ ગામોમાં પૂરની સ્થિતિ છે, જેમાં 3 લાખ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુરુદ્વારા લોકોને આશ્રય અને ભોજન આપી રહ્યા છે. અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમૃતસરમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ગ્રામજનોને ટ્રેક્ટર-હોડી દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે. ફિરોઝપુરમાં 100થી વધુ ગામોમાં પરિસ્થિતિ બેકાબૂ છે અને ભારત-પાક સીમાના ગામોમાં ઘણા મકાનો તૂટી પડ્યા છે, જ્યાં લોકો ગુરુદ્વારા અને તંબુઓમાં રહે છે.