હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્રમુખ એર્દોગન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકાત

September 01, 2025

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તૂર્કિયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અને એર્દોગન વચ્ચે ઉષ્માભેર વાતાવરણ જોવા મળ્યું. જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા અને વડાપ્રધાન મોદી તેમની પીઠ થાબડતા જોવા મળે છે. આ દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, ઓપરેશન સિંદૂર વખતે ભારત અને તૂર્કિયેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા.  હકીકતમાં, 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત નિપજ્યા હતા. ભારતે આ હુમલા બાદ પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આંતંકી ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા, જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ તૂર્કિયેએ ખુલીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને ભારતની ટીકા કરી હતી. આ દરમિયાન તૂર્કિયેના પ્રમુખે એર્દોગને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને ભારતીય હુમલાની ટીકા કરી હતી અને પાકિસ્તાન પ્રત્યેય સંવેદના વ્યક્ત કરી હતી. 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તૂર્કિયેના વડાપ્રધાને ન ફક્ત 350થી વધુ ડ્રોન પૂરા પાડ્યા હતા. પરંતુ, તેના સંચાલનમાં મદદ માટે નિષ્ણાતો પણ મોકલ્યા હતા. જેમાં Bayraktar TB2 અને YIHA ડ્રોન સામેલ હતા, જે ભારતીય મોરચા અને સપ્લાય કાફલા પર આત્મઘાતી હુમલાઓ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, આ સંઘર્ષ દરમિયાન બે તૂર્કિયેના સૈન્યકર્મીઓના પણ મોત નિપજ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સરહદ પર શાંતિ, આતંકવાદ સામે સહયોગ, આર્થિક વિકાસ અને વેપાર સંતુલન જેવા મહત્ત્વના મુદ્દા પર વાટાઘાટો કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જિનપિંગ સાથે સરહદ પારના આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરી હતી અને તેની સામે બંને દેશોના સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં, બંને નેતાઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી મહત્ત્વની છે. તેમણે ગત વર્ષે સફળ ડિસઇંગેજમેન્ટ અને વર્તમાનમાં શાંતિ જાળવી રાખવા હાલમાં કાર્યરત પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો. આ સિવાય આર્થિક અને વેપાર સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદી અને જિનપિંગ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને ભારત-ચીન આર્થિક અને વાણિજ્યિક સહયોગને મજબૂત બનાવવા સંમત થયા.