ઈઝરાયલ-અમેરિકાએ 20 લાખ ગાઝાવાસીઓ માટે તૈયાર કર્યો પ્લાન, નામ આપ્યું 'GREAT'

September 01, 2025

અમેરિકી અખબારના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ઈઝરાયલે ગાઝા માટે એક યોજના તૈયાર કરી છે, જેમાં 20 લાખ લોકોને કામચલાઉ રીતે ગાઝાથી હટાવવામાં આવશે. આ લોકોને જ્યાં સુધી ગાઝાનો પુનર્વિકાસ ન થાય ત્યાં સુધી ઇજિપ્ત કે કતાર જેવા દેશો અથવા પેલેસ્ટાઇનમાં જ કોઈ અન્ય જગ્યાએ મોકલવામાં આવશે. આ સમય દરમિયાન, તેમને ડિજિટલ ટોકન અને રોકડ રકમ પણ આપવામાં આવશે. ગાઝામાંથી કામચલાઉ રીતે ખસેડવામાં આવેલા લોકો જ્યાં રહેશે, ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા થશે. આ ઉપરાંત, ઘરના ભાડા માટે સબસિડી પણ આપવામાં આવશે. ગાઝાના લોકોને ખસેડવાની આ યોજનાને 'વોલન્ટરી ડિપાર્ટર' કહેવામાં આવે છે, જે હેઠળ તેઓ બીજા દેશમાં જશે અથવા નક્કી કરેલા સ્થળે તેમને રાખવામાં આવશે. ગાઝાના લોકોને કુલ 4 વર્ષ સુધી બહાર રાખવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.  અમેરિકાની યોજના મુજબ, ગાઝાને 'ગાઝા ટ્રમ્પ રિવિએરા' તરીકે પ્રવાસન સ્થળમાં ફેરવવામાં આવશે. અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે, જેમાં શાળાઓ, હોસ્પિટલો અને ઉદ્યોગો જેવી સુવિધાઓ હશે. જે લોકોને ગાઝાથી બહાર ખસેડવામાં આવશે, તેમને તેમની જમીનના બદલામાં મળેલા ડિજિટલ ટોકનનો ઉપયોગ કરીને આ એપાર્ટમેન્ટ્સમાં ફ્લેટ આપવામાં આવશે. આ બાબતે અમેરિકી વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી.