અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ

October 08, 2025

અમદાવાદ : અમદાવાદમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બેંક ફ્રોડના એક ગંભીર કેસમાં એકસાથે ત્રણ મોટી ટેક્સટાઇલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અગાઉ નોંધાયેલા ગુનાને આધારે EDએ આ કાર્યવાહી હાથ ધરી છે.

જે કંપનીઓ પર EDએ સકંજો કસ્યો છે તેમાં શ્રી બાબા ટેક્સટાઇલ્સ, શ્રી ઓમ ટેક્સફેબ અને શ્રી લક્ષ્મી ફેબનો સમાવેશ થાય છે. EDની તપાસ મુજબ, આ કંપનીઓના સંચાલકોએ બોગસ દસ્તાવેજોના આધારે બેંકો સાથે લગભગ રૂપિયા 10 કરોડની છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

CBI એ ગુનો નોંધ્યા બાદ, હવે ED દ્વારા આ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી (Money Laundering) ના પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમ દ્વારા કંપનીઓના કાર્યાલયો, માલિકોના રહેઠાણો અને અન્ય શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

ED ખાસ કરીને એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ છેતરપિંડીમાં અન્ય કોઈ બેંક અધિકારીઓ કે વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો દરોડામાં વધુ નક્કર પુરાવા મળશે, તો કંપનીના માલિકો અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ પણ થઈ શકે છે. આ કડક કાર્યવાહીના કારણે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.