એર ઈન્ડિયાની ફ્લાઈટનું એક એન્જિન અધવચ્ચે જ બંધ થઈ જતાં ઈમરજન્સી લેન્ડિંગ

January 07, 2025

બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું એક એન્જિન હવામાં જ બંધ થઈ જતાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 150 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ નંબર AI2820 એ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાનના એક એન્જિને હવામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું કે પાયલોટે કેમ્પેગૌડા એરપોર્ટ પર ઈમરજન્સી મેસેજ મોકલ્યો હતો.

એર ઈન્ડિયાની ફ્લાઈટે બેંગલુરુ શહેરનું ચક્કર લગાવ્યું જ્યાં સુધી તેને કેમ્પેગૌડા એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાંથી ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી ન મળી. લગભગ એક કલાક બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પેગૌડા એરપોર્ટના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, 'આ ઘટના 5 જાન્યુઆરીએ બની હતી. મારી પાસે તકનીકી વિગતો નથી, પરંતુ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીએ એમ પણ કહ્યું કે કોઈ અપ્રિય ઘટના બની નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.