પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પણ સુરક્ષિત નહીં, કારના કાફલા પર ટામેટાં અને બટાકા ફેક્યા

April 21, 2025

શનિવારે જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સરકારમાં ધાર્મિક બાબતોના રાજ્યમંત્રી ખેલ દાસ કોહિસ્તાની પ્રાંતના થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલા પર ટામેટાં અને બટાકા ફેંકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોહિસ્તાનીને નુકસાન થયું નથી.

વડાપ્રધાન શાહબાઝે કોહિસ્તાની પર થયેલા હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો છે અને સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓ પર હુમલો ચલાવી લેવામાં નહીં આવે અને આ ઘટનામાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે. તમને જણાવી દઈ કે કોહિસ્તાની શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMNL)ના સભ્ય છે. વિરોધીઓએ પાર્ટીની કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા, કેન્દ્રીય માહિતી મંત્રી અટ્ટા તરારે પણ આ ઘટનાની નોંધ લીધી અને તેને હુમલો ગણાવ્યો છે.

તેમણે સિંધ પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ (આઇજી) ગુલામ નબી મેમણ પાસેથી ઘટનાની વિગતો અને કેન્દ્રીય સચિવ પાસેથી રિપોર્ટ પણ માગ્યો છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે પણ આ હુમલાને વખોડ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. તેમણે હૈદરાબાદ ક્ષેત્રના નાયબ પોલીસ મહાનિરીક્ષકને હુમલામાં સંડોવાયેલા બદમાશોની તાત્કાલિક ધરપકડ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.