પિતાએ મોબાઈલની ના પાડતા દીકરાનો આપઘાત, પછી પિતાએ પણ ફાંસો ખાધો

January 10, 2025

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયો છે. દિવસે-દિવસે સ્માર્ટ ફોનનો વપરાશ વધી રહ્યો છે, ત્યારે મોબાઈલ-સોશિયલ મીડિયાના અનેક ફાયદા હોવાની સાથે ઘણા ગેરફાયદાઓ પણ છે. જ્યારે બાળકો અને યુવકોને જાણે મોબાઈલ વગર જીવવું મુશ્કેલ બન્યું હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્રના નાંદેડમાં મોબાઈલ ફોન ન મળતા એક યુવકે આપઘાત કરી લીધો હતો. બીજી તરફ, પુત્રએ આપઘાત કર્યો હોવાની જાણ થતા પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને પુત્ર-પિતાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે


મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાંદેડના બિલોલીમાં પિતાએ પુત્ર પાસેથી મોબાઈલ લઈ લેતા 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જ્યારે પુત્રએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળતા, પિતાએ પોતાના ખેતરમાં જઈને આપઘાત કર્યો હતો. 


પિતા-પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો હતો. જ્યારે આ ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, 'અમને ખબર ન હતી કે એક મોબાઈલના કારણે પરિવારના બે સભ્યો મોતને ભેટશે.' સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પિતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.