હોંગકોંગમાં ભીષણ અગ્નિકાંડ, 8 ઈમારતો ભસ્મીભૂત, મૃત્યુઆંક 128

November 28, 2025

કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે, 32 માળની આઠ ઇમારતો ભસ્મીભૂત 

હોંગકોંગની બહુમાળી ઇમારતોમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 128 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા લગભગ આઠ દાયકામાં હોંગકોંગમાં લાગેલી આ સૌથી ભયાવહ આગની ઘટના છે, જેને કારણે સમગ્ર શહેરમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે હજુ પણ ઠેર ઠેર મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ હજુ પણ યથાવત્ છે.  આ દુર્ઘટના તાઈ પો સ્થિત વાંગ ફુક કોર્ટના રહેણાંક સંકુલમાં બની હતી. બુધવારે લાગેલી આ આગ એટલી ભયાવહ હતી કે તેણે વાંસના ટેકાવાળી 32 માળની ઊંચાઈ ધરાવતી આઠ ઇમારતોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.


આગ બુધવારે બપોરના સમયે લાગી હતી અને ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે મોટા પાયે જાનહાનિ થઈ છે. હોંગકોંગના ઇતિહાસમાં 1948 પછીની આ સૌથી ભીષણ ઘટના છે. અગાઉ 1948માં એક ગોડાઉનમાં લાગેલી આગમાં 176 લોકોના મૃત્યુ થયા હતા. અગ્નિશમન દળ અને રાહત કામગીરી કરનારી ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું અને ફસાયેલા લોકોને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.