કેનેડામાં લગ્ન સમારોહમાં ફાયરિંગ, બેના મોત અને 6 ઈજાગ્રસ્ત

September 04, 2023

ટોરન્ટો : કેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહ દરમિયાન થયેલા ફાયરિંગમાં બેના મોત થયા છે અને બીજા છ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર પાછળના કારણની હજી જાણકારી સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘાયલ લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે મોડી રાત્રે ઓટાવાના સાઉથ એન્ડ કન્વેન્શન હોલમાં બે લગ્ન સમારોહનુ આયોજન થયુ હતુ. આ દરમિયાન પાર્કિંગ એરિયામાં અચાનક જ ફાયરિંગના અવાજો આવ્યા હતા. આ સાંભળીને આમંત્રિતો ગભરાયા હતા અને લગ્ન સમારોહમાં દોડધામ મચી ગઈ હતી. એ પછી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઈને જોયુ તો ઘણા લોકો ઘાયલ હાલતમાં પડેલા હતા. આ પૈકી બેના મોત થયા હતા. 6 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મરનારા બંને લોકો 26 અને 29 વર્ષના છે. તેઓ ટોરન્ટો શહેરના રહેવાસી હોવાનુ જણાવાયુ છે. પોલીસે કહ્યુ હતુ કે, આ હેટ ક્રાઈમ કે રેસિયલ ક્રાઈમ હોવાના પૂરાવા મળ્યા નથી. જોકે પોલીસ તમામ પ્રકારની શક્યતાઓને હજી ચકાસી રહી છે.

કેનેડામાં તાજેતરના વર્ષોમાં ફાયરિંગની વધી રહેલી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. 2023માં એકલા ઓટાવામાં ગોળીબારની 12 ઘટનાઓ બની છે. 2009ની સરખામણીએ કેનેડામાં ફાયરિંગની ઘટનાઓમાં 81 ગણો વધારો થયો છે.