બંગાળમાં પહેલીવાર રામનવમીએ જાહેર રજા

April 16, 2024

કલકત્તા- લોકસભા ચૂંટણી નજીક આવતા જ હિન્દુ પ્રત્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રેમ ઉભરાઈ ગયો છે. એક સમયે શ્રીરામના નારાથી ભડકી જતા મુખ્યમંત્રીએ હવે આવતીકાલે રામનવમીના તહેવારો રાજ્યમાં જાહેર રજા રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધી દુર્ગા પૂજા, કાળી પૂજા અને સરસ્વતી પૂજા જેવા તહેવારોમાં જાહેર રજાઓ રહેતી હતી અને રામનવમીના દિવસે તમામ સરકારી સંસ્થાઓ, સ્કૂલો-કોલેજો ચાલુ રહેતા હતા. જોકે હવે રામનવમીના દિવસે રાજ્યમાં જાહેર રજા રહેશે, તેથી પ્રથમવાર રાજ્યમાં રામનવમીના દિવસે તમામ સરકારી કાર્યાલયો અને સ્કૂલો-કોલેજો બંધ રહેશે. 


મમતા બેનરજી અગાઉ જય શ્રીરામના નારા સાંભળી ભડકી જતા હતા. ઘણીવાર એવું પણ બન્યું છે કે, જ્યારે મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં હોય કે પછી ક્યાંક કાફલો લઈને નિકળ્યા હોય અને કેટલાક લોકો જયશ્રી રામના નારા લગાવતા તો તેઓ સૂત્રોચ્ચાર કરનારાઓના ક્લાસ લઈ લેતા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં જાહેરમાં દુર્ગા સ્ત્રોતનો પાઠ કરીને પોતે હિન્દુઓના પાક્કા સમર્થક હોવાનું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી બદલાઈ ગયા છે અને હિન્દુ મતદારો તરફ વળ્યા છે. આ દરમિયાન તેમણે હિન્દુ મતદારોને રિઝવવા ઘણા મહત્વના નિર્ણયો પણ લીધા છે.


ભાજપ બંગાળમાં સતત મજબૂત થતાં મમતા બેનરજી સતર્ક થઈ ગયા છે. ગત લોકસભા ચૂંટણી અને ત્રણ વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વધુ બેઠકો મેળવી હતી. આ જ કારણે મમતા બેનરજી શ્રી રામના નારા પ્રત્યે નારાજગી દેખાડી રહ્યા નથી. આ ઉપરાંત અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયા બાદ ભારતીયોમાં છવાયેલી ખુશીની અસર પણ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે.