અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ‘શક્તિ કૉરિડોર’, અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર

July 29, 2025

ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.  રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે.  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે તૈયાર કરાયો છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે 'જ્યોત' અને અંબાજી મંદિર ખાતે 'વિશા યંત્ર' જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્ત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.