જયપુરમાં કોચિંગ ક્લાસમાં ગેસ લીકેજની ઘટના, 10 વિદ્યાર્થીઓની તબિયત લથડી

December 16, 2024

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રવિવારે સાંજે એક કોચિંગ ક્લાસમાં ગેસ લિકેજ થવાની ઘટના બનતા ભારે હંગામો મચી ગયો અને અચાનક જ કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેભાન થવા લાગ્યા. વર્ગખંડમાં દુર્ગંધ ફેલાઈ, જેના કારણે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે હાલમાં તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

તબીબોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હાલતમાં હાલમાં સુધારો થયો છે. હાલમાં તમામને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વર્ગખંડમાં અન્ય બાળકો પણ બેઠા હતા જેમાંથી 10ની તબિયત લથડી હતી. વર્ગો ચાલુ હતા ત્યારે બાળકોની આ હાલત થઈ અને અચાનક વિદ્યાર્થીઓ બેહોશ થવા લાગ્યા. એમ્બ્યુલન્સ આવ્યા બાદ કોચિંગ સેન્ટરની બહાર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ ચાલી પણ શકતા ન હતા, જેના કારણે તેમને ઉપાડીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.