મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશખબર, જસપ્રીત બુમરાહ આ મેચથી કરશે વાપસી!

April 07, 2025

IPL 2025માં તેમની ટીમના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર છે. જસપ્રીત બુમરાહની MI કેમ્પમાં આખરે વાપસી થઈ ગઈ છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ મોટા સમાચાર શેર કર્યા છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું પ્રદર્શન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં કંઈ ખાસ રહ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે. હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 7 એપ્રિલ (સોમવારે) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની મેડિકલ ટીમની મંજૂરી મળી ગઈ છે. આથી બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ગયો છે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ જાણકારી આપી છે. જસપ્રીત બુમરાહ પણ આરસીબી સામેની મેચમાં રમી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહે ગઈકાલે (5 એપ્રિલ) પ્રેક્ટિસ મેચ રમી હતી. તેમજ આજે (6 એપ્રિલ) પણ બીજી પ્રેક્ટિસ મેચ રમશે. જો બધું બરાબર રહેશે તો ફેન્સ તેને આરસીબી સામેની મેચમાં રમતા જોઈ શકશે. જો તે RCB સામે નહીં રમે, તો તે 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી વાપસી કરશે.